Friday, May 5, 2017

hidden story of women in general

અચાનક 'સ્યુસાઈડ હેલ્પલાઇન' પર ફોન આવ્યો. સામે છેડે એક યુવતી વાત કરી રહી હતી. 'બસ હવે મને જીવનમાં કોઈ રસ રહ્યો નથી. મારે આત્મહત્યા કરવી છે.' મેં તે યુવતી સાથે વાત કરવાની કોશિષ કરી. એને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને વાતમાં ઉલઝાવી રાખી. ત્યાં સુધી 'હેલ્પ લાઈન' ટીમના મેમ્બેર્સ એ યુવતીનું લોકેશન ટ્રેસ કરીને પહોચી ગયા.
સદનસીબે 'એક જીવ' બચાવવાનો આનંદ મળ્યો. આ યુવતીને  પછી અમારા કાઉન્સેલિંગની મદદથી સમજાવી શકાયું કે જીવનનો અંત આપણા હાથની વાત નથી અને જો આવું કર્યું તો ઈશ્વરનો સૌથી મોટો અપરાધ ગણાશે.
કાઉન્સેલિંગ દરમ્યાન એ યુવતીનું નામ કાજલ છે એવું જાણવા મળ્યું. કાજલે હવે હૈયું હળવું કરવા સાથે માંડીને વાત કરી. "મારા લગ્નને ૧૫ વર્ષ થયા. મારે એક દીકરી પણ છે. મારા પતિ પણ મને પ્રેમ કરે છે. પરંતુ મને મારું જીવન અધૂરું લાગે છે. કઇક ન પામ્યાનો અસંતોષ હમેશા મને સતાવે છે. "

હું જયારે નાની હતી, સ્કુલે જતી ને ત્યારે મારા શિક્ષકો મારા અભ્યાસ પર ગર્વ લેતા, એવું સરસ પરિણામ હું લાવતી. બોર્ડ એકઝામમાં પણ મેં મારી સ્કુલનું નામ ઝળકાવ્યું હતું. મારું ફ્રેન્ડ સર્કલ પણ સીમિત. પરંતુ જેટલા મિત્રો હતા એ બધા જ ગાઢ મિત્રો. બહુ જ સારી બહેનપણીઓ. આમ પણ મને છોકરાઓ સાથે વાત કરવી બહુ ગમતી નહિ, એટલે મિત્ર વર્તુળમાં છોકરાઓ જોવા જ ના મળે. અમે પાંચની ટુકડી એટલે - કાજલ, અમી, શીતલ, સરોજ અને પ્રીતિ. અમે પાંચેય સવારે સ્કુલે સાથે જતા. ભણવાનું પણ સાથે અને સાંજે સ્કુલેથી પાછા પણ સાથે જ આવવાનું. મલકની વાતો થાય અમારી વચ્ચે. ઉમર પ્રમાણે સમજણ કરતા છોકરમત વધારે. એ વખતે તો અત્યારના જેવા મોબાઈલ અને ઈન્ટરનેટની સુવિધા ન નહોતી. એટલે કોઈ વાત જાણવી, સમજવી હોય તો 'Google' હેલ્પ મળતી નહિ. એ સમયે બહેનપણીઓ જ મારી 'Google search'. દરેકની સમજણ પ્રમાણે વાતો શેર થતી. પછી ભલે એ ભણવાની વાત હોય કે પછી 'teenage issue' હોય.Teenage નો સૌથી મોટો પ્રશ્ન છોકરી જયારે પહેલીવાર 'માસિક ધર્મ' માં બેસે ત્યારે થતો. એટલી કોઈ સમજણ ન હોય એટલે બહેનપણી કે જેને થોડું ઘણું જ્ઞાન હોય, એ સમજાવવા લાગે. હું પણ જયારે પહેલીવાર 'માસિક ધર્મ' માં બેઠી ત્યારે ખુબ જ ગભરાઈ ગયેલી. એક તો બ્લડ જોઇને જ બીક લાગે અને શરમ પણ આવે. મુઝવણ એવી થાય કે વાત કરવી તો કોને કરવી. કોઈ મોટાને  વાત કરવાની તો હિમત જ ન થતી અને શરમ આડે આવતી. એટલે મારી બહેનપણીને વાત કરી. એ મારાથી ૧ વર્ષ મોટી હતી એટલે એણે મને સમજાવી. ધીમે ધીમે ગભરાટ ઓછો થયો અને પછી અમુક મહિના પછી તો હું પણ ટેવાઈ ગઈ. પછીથી ભણવામાં આવ્યું ત્યારે ખબર પડી કે સ્ત્રી માસિક ધર્મમાં બેસે એટલે સમજવાનું કે એ સંપૂર્ણ સ્ત્રીત્વ ધારણ કરી શકે, માતા બની શકે. ચાલો એ જ્ઞાને થોડી રાહત આપી કે મારામાં કોઈ ઉણપ નથી.

આ સાથે અનેક વાર-તહેવાર, વ્રતજાગરણ અને વેકેશનમાં બહેનપણીઓ સાથે રહેવાનું થતું. આ દરમ્યાન મને એવું કાયમ થતું કે બહેનપણીની હુંફ કેવી સારી લાગે છે. એક દિવસ પણ જો બહેનપણી ના મળે તો ક્યાય ગમતું નહી, કઈક ખૂટતું હોવાનો અહેસાસ થતો. આમ કરતા કરતા સ્કૂલનો અભ્યાસ પૂરો થયો અને પછીથી તો બધી બહેનપણીઓની ભણતરની શાખાઓ અલગ થઇ ગઈ. પાંચેય બહેનપણીઓ અલગ પડી ગઈ. થોડા દિવસ તો બહુ વસમું લાગ્યું. થયું કે આ અભ્યાસ છોડીને બહેનપણીની કોલેજમાં જતી રહું. પણ કેરિયર બનાવવાના ઉદ્દેશે એમ કરતા અટકાવી. નવી જગ્યા અને નવા લોકો વચ્ચે એડજસ્ટ થતા થોડો સમય લાગ્યો.

કોલેજ વિષે થોડી ઘણી પરિકલ્પનાઓ હતી મગજમાં કે કોલેજમાં તો બસ હરવા ફરવાનું અને મોજ કરવાની અને મારી નજર સામે જ બિન્દાસ્ત છોકરા છોકરીઓ ફરતા અને મજા કરતા. પરંતુ મને ખબર નઈ કેમ પણ આવું કરતા મારું મન માનતું નહિ. મને હજુ પણ છોકરા સાથે વાતચીત - દોસ્તી એ બધું ગમતું નઈ. સદનસીબે કોલેજમાં પણ સારી સ્ત્રી મિત્રો મળી. ભણવા સાથે થોડી મસ્તી પણ કરી લેતા. પણ સ્કુલના મિત્રોની ખુબ યાદ આવતી. ક્યારેક મળવા પણ જઈ આવતી. પણ ધીરે ધીરે કોલેજની બહેનપણીઓ સાથે ગાઢ મિત્રતા બંધાઈ ગઈ.
સમય અને ઉમર સાથે જોડાયેલ વિષયોને લઇ રોચક અને રોમાંચક વાતો થતી. મસ્તી, મજાક અને ભણવાનું બધું જ ચાલતું. પણ આ સમય દરમ્યાન મને એક વસ્તુ બરાબર સમજાઈ રહી હતી કે મને સ્ત્રી મિત્રોનો સાથ આકર્ષતો. છોકરાઓ પ્રત્યે આકર્ષણ નહોતું થતું એવું તો નથી પરંતુ સ્ત્રીમિત્રો પ્રત્યે ચોક્કસથી હુંફ અનુભવાતી, પોતાનાપણું લાગતું, સુરક્ષા અનુભવાતી.

એમ કરતા કરતા ગ્રેજ્યુએશન અને માસ્ટર્સ પણ પૂરું થયું. નોકરી પણ મળી ગઈ. ભણતર પૂરું થયું એટલે લગ્નની વાત ઘરમાં ચાલુ થઇ ગઈ. શરૂઆતમાં હા - ના કરતા, મન ન હોવા છતાં પણ ક્યાંક તો હા પાડવી જ રહી. "આકાશ' નામનો છોકરો એક દિવસ જોવા આવ્યો, વાત કરતા સારું લાગ્યું એટલે 'હા' પાડી દીધી. લગ્ન પણ થઇ ગયા.  આ લગ્ન ઘરના લોકોના આગ્રહવશ કરેલા.

અમારું લગ્નજીવન આમ તો ઠીક ઠાક કહી શકાય એવું ચાલતું.  લગ્નના બે વર્ષમાં તો અમારા ઘરે 'દીકરી' અવતરી. અને ઘરના બધા ખુશ હતા. બહુ લાંબા સમય પછી ઘરમાં કોઈ નાના બાળકનો અવાજ ગુંજ્યો હતો. આકાશ મને ખુબ સારી રીતે સાચવતા અને પ્રેમ પણ કરતા. પ્રેગ્નન્સી પછી નોકરી છોડી મેં મારું ધ્યાન મારી દીકરી પર આપવાનું શરુ કર્યું. મારો મોટા ભાગનો સમય મારી દીકરી પાછળ જ જતો. આકાશની ફરિયાદ રહેતી કે હું એમને સમય નથી આપતી. પછી મને એવું લાગતું કે હું આકાશની માત્ર શારીરિક જરૂરિયાત બનીને રહી ગઈ છું. કારણ કે હું એને સમય નહોતી આપી શકતી, દિવસ પૂરો થયે થાકીને સુઈ જતી. અને આકાશની મારા પ્રત્યેની અપેક્ષાઓ વધતી જાતિ, જે મને ધીરે ધીરે ખૂંચવા લાગ્યું. મને એવું લાગતું કે આકાશ હવે મને નહિ પણ મારા શરીરને જ પ્રેમ કરે છે.

ધીરે ધીરે આ વિચારે એક ગ્રંથિનું સ્વરૂપ ધારણ કરી લીધું. મારી અને આકાશ વચ્ચે તનાવ - ઝગડા પણ શરુ થઇ ગયા. છતાં પણ હું આકાશને ખુશ રાખવા પ્રયત્ન કરતી. એની જરૂરીયાતને મારી ખુશીનું સ્વરૂપ આપતી. મન ન હોવા છતાય ઘણીવાર આકાશને તાબે થતી. પરંતુ જે સંતોષ - લાગણીનો અનુભવ થવો જોઈએ એ નહોતો મળતો. પછી હું મારા સારા સંસ્મરણોને વાગોળતી. સ્કુલ - કોલેજના દિવસો અને બહેનપણીઓને યાદ કરતી. એ યાદ માત્ર મને ખુશી આપતા. ફરીથી કોલેજની બહેનપણીઓ સાથે મળવાનું શરુ કર્યું. ફરીથી હું 'જીવવા' લાગી. પરંતુ આકાશને આ બધું બહુ ઓછું ગમતું કે હું એને સમય નથી આપતી અને બહેનપણીઓ માટે સમય નીકાળી શકું છું. પરંતુ મારા માટે ખુશ રહેવું, પોતાના માટે સમય આપવો - એ સ્ટ્રેસ ઓછો કરવા માટે જરૂરી બની ગયું હતું.  પરંતુ લગ્નજીવનને ટકાવવા માટે પણ હું આકાશની શારીરિક જરૂરિયાત પૂરી કરતી. પરંતુ મને એમાં સંતોષ - આનંદ મળતો નહિ. એના કરતા તો બહેનપણીની માત્ર વાતોની હુંફ વધુ મીઠી લાગતી. તો હું પોતાની જાતને સવાલ કરતી કે શું હું બરાબર કરી રહી છું ? ખબર નઈ પણ મને શબ્દોરૂપી લાગણી અને હુંફ વધુ ગમતા, નહિ કે શારીરિક પ્રેમ.

આજ વાત મને અંદર અંદર કોરી ખાતી અને મને ડીપ્રેશનમાં લઇ જતી. ઘણીવાર આ બાબત પર આકાશ સાથે વાત કરવાની ઈચ્છા થતી પરંતુ હિમત ક્યારેય ના થઇ. આ ડીપ્રેશને મને વધુ અંધકારમાં ધકેલી અને હવે તો નાની નાની વાત પર મને ગુસ્સો આવે અને વાતે વાતે ખોટું લાગી જતું, ઘણીવાર આત્મહત્યાના વિચારો આવતા. અને આજે એ જ પગલું ભરવા હિમત કરી, પરંતુ મારી દીકરીનો ચહેરો આડે આવતા - તમારી હેલ્પ લાઈન પર ફોન કર્યો.  હવે તમે જ કહો હું શું કરું ? શું હું કઈ ખોટું કરી રહી છું ? મારી લાગણીઓ અસામાન્ય છે ? શું મને મારું જીવન પોતાની રીતે જીવવાનો કોઈ હક ખરો કે નઈ ? 
કાજલની વાત સાંભળ્યા પછી લાગ્યું કે આ વાત તો ઘણી બધી સ્ત્રીઓની હોઈ શકે. એક સ્ત્રીનો બીજી સ્ત્રી સાથે લગાવ કે પ્રેમ હોય , એ કઈ અજુગતું નથી. પરંતુ આપણી સામાજિક રચના એ વાત સ્વીકારવા તૈયાર નથી થતું.
આપણા બધા માટે આ સવાલ છે કે શું સ્ત્રીને સ્ત્રી સાથે રહેવા / પ્રેમ કરવાને અપરાધ ગણવો ? શું એ પણ એક લાગણીની અનુભૂતિ જ છે ને ? લગ્ન એ જ અંતિમ પડાવ છે સ્ત્રી માટે ?
આપણા પ્રતિભાવો આવકાર્ય છે.                                                                            

No comments:

Post a Comment

ભારતના યુવાધનની વિદેશવાટ

  ભારતના યુવાધનની વિદેશવાટ   ભારત એ વિશ્વનો સૌથી યુવાન દેશ છે અને વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ પણ ખરો. સૌથી યુવાન દેશ હોવાનો અર્થ અ...