Monday, February 20, 2023

વિશ્વ માતૃભાષા દિવસ

 21 ફેબ્રુઆરી "વિશ્વ માતૃભાષા દિવસ" તરીકે ઉજવાય છે. પણ તમને અને મને આ પ્રશ્ન તો થાય જ છે કે કોઈએક જ દિવસે માતૃભાષા દિવસ ઉજવવો કેમ પડે ?  જે માતૃભાષા આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલી છે, જે આપણી સવારથી રાત સુધી ઘરમાં બોલાય છે, એને આપણે એક દિવસ ખાસ કેમ યાદ કરવી પડે ?

આ માટે પણ કોઈક અંશે આપણે જ જવાબદાર છીએને....અંગ્રેજી મીડીયમ અને પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણમાં આપણે "અંગ્રેજી" બોલવાનું જેટલું ગૌરવ લઈએ છીએ, એટલું ગૌરવ માતૃભાષા આવડવાનું અને બોલવાનું કેમ નથી લેતા ? ઘરની બહાર નીકળીએ અને જો કોઈ અજાણ્યું માણસ બહાર મળે તો આપણે તેમની સાથે માતૃભાષામાં વાત કરીયે છીએ ? આપણે ચાલો ગુજરાતની જ વાત કરીયે. મોટાભાગે બહારના જે લોકો અહીં આવીને વસ્યા છે, એ પણ ગુજરાતી સમજતા થઇ ગયા હોય છે, તો પણ આપણે ઘરની બહાર નીકળીએ એટલે હિન્દી કે અંગ્રેજીમાં જ વાત કરીયે છીએ. અરે ભાઈ હવે સમજાયુ એક દિવસને "માતૃભાષા દિવસ" કેમ ઉજવવો પડે છે. 

આપણે ગુજરાતી થઇને જો ગુજરાતી બોલવાનું ગૌરવ ના લઇ શકીયે, તો પછી આપણે આવા દિવસો ઉજવવા પડે.  અને આ લોકો જ વિદેશ જઈને કોઈ "આપણું" મળી જાય,  "માતૃભાષા" માં વાત કરવાવાળું મળી જાય અને જે ખુશીથી મળતા હોય - એજ દર્શાવે છે આપણી માતૃભાષા આપણને કેટલા જલ્દીથી જોડી દે છે એકબીજા સાથે. 

 "માં' ,  "માતૃભૂમિ" અને "માતૃભાષા" ત્રણેય સ્ત્રીલિંગ માં જ બોલાય છે, કેમ ખબર છે ?  કારણકે આપણને આ ત્રણેય હંમેશા  મમતા આપે છે. સૌથી વ્હાલી "માં" અને "માં" જેવો પ્રેમ માતૃભૂમિ અને માતૃભાષામાં જ મળે છે. આપણને વિચારો અને સ્વપ્ન આપણી પોતાની ભાષામાં જ આવે છે.  સર્જનાત્મક વાતની કે લાગણીની રજુઆત જે અંદાજથી પોતાની માતૃભાષામાં કરી શકાય એ કદાચ બીજી ભાષામાં ના જ થઇ શકે. 

ચાલો ત્યારે આપણે તો રોજેરોજ "માતૃભાષા દિવસ" છે....આજે તો એક નિમિત્ત બનાવ્યું છે આ વાત સમજવા માટે....  મને ગુજરાતી હોવાનું ગૌરવ છે અને એટલે જ આજના દિવસે મારી માતૃભાષા "ગુજરાતી" માટે જ લખ્યું છે.

"જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત"

No comments:

Post a Comment

ભારતના યુવાધનની વિદેશવાટ

  ભારતના યુવાધનની વિદેશવાટ   ભારત એ વિશ્વનો સૌથી યુવાન દેશ છે અને વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ પણ ખરો. સૌથી યુવાન દેશ હોવાનો અર્થ અ...